
Friday, July 15, 2011
Ek alvida kahaa Roz hi bichhad raha, tu humsafar...

Friday, December 25, 2009
Monday, May 11, 2009
ચૂકી જવાયું છે.....

દિલાસો આપવાનું આખરે ચૂકી જવાયું છે,
હૃદયને ઠારવાનું આખરે ચૂકી જવાયું છે.
તને, લે દોરવા બેઠો અહીં હું મુજ અહમ્ લઈને,
હતું જે ત્યાગવાનું આખરે ચૂકી જવાયું છે.
બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,
ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.
તેં ફેલાવ્યો પ્રણયનો હાથ પણ; સમજી શક્યો ના હું,
હથેળી ચૂમવાનું આખરે ચૂકી જવાયું છે.
વહે છે ગૂંગળાઈને હજીયે બંધનોના નીર,
કિનારા તોડવાનું આખરે ચૂકી જવાયું છે.
જઈ પાલવ સુધી એના, પવન ભીનો થયો છે આજ,
એ આંસુ રોકવાનું આખરે ચૂકી જવાયું છે.
Monday, July 21, 2008
વરસાદમાં !

કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઈ ચાંદની વરસાદમાં !કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.
એવું કાંઈ નહીં !

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !