Tuesday, December 4, 2007

તારી ને મારી વાત..


શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?

અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

પ્રાણ...


અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

આગમન.......



આગમન હતું એમનું ક્ષણિક,
પણ બની રહયું જીવનભરનું સ્મરણ

હાસ્ય હતું કે મોતીની લહેર,
એ સમજવાનું રહી ગયું.

મારી જિંદગીનો એ જવાબ હતો,
પણ સવાલ પુંછવાનું રહી ગયું.

કર્યો હતો પ્રેમ એને,
પણ એકરાર કરવાનું રહી ગયું.

મનમાં વિચારી હતી વાતો ઘણી,
પણ કઈંક કહેવાનું રહી ગયું.

દિદાર એમના કરવામાં,
સમય નક્કી કરવાનું રહી ગયું.

જાણ્યું ઘણું, જણાવ્યું ઘણું,
પણ નામ જ જાણવાનું રહી ગયું.

અને કલ્પના એમની કરવામાં,
મારું આ કાવ્ય અધુરું રહી ગયું.....